પોલીસ માત્ર ગુનેગારોને પકડવાનું જ કામ નથી કરતી, પરંતુ ક્યારેક વિખૂટા પડેલા પરિવારોને ભેગા કરી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પણ પૂરું પાડે છે. ડાંગ પોલીસે 'ઓપરેશન મિલાપ' અંતર્ગત 13 વર્ષથી ગુમ થયેલા એક યુવકને શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. આ પ્રશંસનીય કામગીરીને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને બિરદાવી છે.
13 વર્ષ લાંબી પ્રતીક્ષાનો અંત
ઘટનાની વિગત એવી છે કે, ડાંગ જિલ્લાનો રહેવાસી રણજીત ચૌધરી વર્ષ 2013માં વાપી ખાતે BBAનો અભ્યાસ કરવા માટે ગયો હતો. અભ્યાસ દરમિયાન તે વાપીની હોસ્ટેલમાંથી કોઈને પણ કહ્યા વગર અચાનક ગુમ થઈ ગયો હતો. પરિવારે લાંબા સમય સુધી તેની શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પત્તો મળ્યો ન હતો. વર્ષો વીતતા ગયા તેમ પરિવારની આશા ધૂંધળી થતી ગઈ હતી, છતાં એક ખૂણે આશા જીવંત હતી.
કચ્છના ગાંધીધામથી મળ્યો રણજીત
ડાંગ પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ વઘઈ પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ગઢવી અને તેમની ટીમે 'ઓપરેશન મિલાપ' હેઠળ જૂના ગુમ થયેલા કેસોની ફાઈલો ફરી ખોલી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસને જાણવા મળ્યું કે રણજીત કચ્છના ગાંધીધામ ખાતે છે. પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચી રણજીતને શોધી કાઢ્યો અને તેને ડાંગ પરત લાવી તેના પરિવારને સોંપ્યો હતો. 13 વર્ષે પોતાના વહાલસોયા પુત્રને સામે જોઈ પરિવારની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા.
“આ માત્ર પોલીસ નથી, આ સંવેદના છે”
આ ઘટનાની નોંધ લેતા હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, "આ માત્ર પોલીસ નથી, આ સંવેદના છે. ૧૩ વર્ષની ધીરજ અને આશાનો આ મિલાપ છે." તેમણે ડાંગ પોલીસની ટીમને આટલી જૂની કડીઓ જોડીને પરિવારને ખુશીઓ પરત અપાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
પોલીસનું ભવ્ય સન્માન
દીકરાના પુનઃમિલનથી ગદગદ થયેલા પરિવારજનો અને ગ્રામજનોએ પોલીસની આ કામગીરીને વધાવી લીધી હતી. ગ્રામજનોએ ડાંગ પોલીસની ટીમને પુષ્પગુચ્છ આપીને તેમનું સન્માન કર્યું હતું અને પોલીસ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી..
આ પણ વાંચો: ઢસા ગામે મોબાઈલ શોપના માલિક પર હુમલો કરી દોઢ લાખની લૂંટ, પોલીસ કાફલો દોડતો થયો