ડાંગ જિલ્લાના આહવા વિસ્તારમાં મલ્ટી-માર્કેટિંગ કંપનીના નામે રોકાણકારો સાથે લાખોની છેતરપિંડી આચરનાર એક એજન્ટને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આરોપીએ લોકોને અતિશય વળતરની લાલચ આપીને લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો.

આહવામાં રોકાણકારો સાથે લાખોની છેતરપિંડી

આરોપી સંજય ધીરુભાઈ રાઠોડ (ઉંમર 42, રહે. વલસાડ) એ પોતાની મલ્ટી-માર્કેટિંગ કંપનીના નામે લોકો પાસેથી રોકાણ મેળવવાનું શરૂ કર્યું હતું. તેણે રોકાણકારોને લાલચ આપી હતી કે, જો તેઓ પૈસા રોકશે તો માત્ર 6 મહિનામાં મૂળ રકમ અને 7 મહિનામાં રકમ 'ડબલ' કરી આપવામાં આવશે. આ રીતે લોકો પાસેથી કુલ ₹18.40 લાખનું રોકાણ કરાવ્યું હતું. વિશ્વાસ જમાવવા માટે શરૂઆતમાં આરોપીએ ₹3 લાખ પરત કર્યા હતા, પરંતુ ત્યારબાદ બાકીના ₹15.40 લાખ લઈને તે રફુચક્કર થઈ ગયો હતો.

લોકો પાસે કુલ 18.40 લાખનું રોકાણ કરાવ્યું

આ મામલે આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદથી આરોપી ફરાર હતો. ડાંગ LCBની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ શરૂ કરી હતી. દરમિયાનમાં પોલીસને બાતમી મળી હતી કે, આરોપી સંજય રાઠોડ બલવાડા ગામે એક લગ્ન પ્રસંગમાં આવવાનો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી તેને રંગેહાથ ઝડપી લીધો હતો.

આગળની કાર્યવાહી

હાલમાં પોલીસે આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ અને તપાસ માટે તેને આહવા પોલીસ સ્ટેશનના હવાલે કર્યો છે. આ ઠગાઈમાં અન્ય કોઈ વ્યક્તિઓ જોડાયેલા છે કે કેમ, તે અંગેની તપાસ હવે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: Dahod: રળીયાતી પાસે બાઇક અને સાઇન બોર્ડના થાંભલા સાથે અથડાયું, બે યુવકોના કરુણ મોત