બનાસકાંઠાની અંબાજી પોલીસે નાઈટ પેટ્રોલિંગ અને સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન દારૂની હેરાફેરી કરતા તત્વો સામે લાલ આંખ કરી છે. રાજસ્થાન સરહદેથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતો લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી પાડ્યો છે.

અંબાજી ચેકપોસ્ટ પાસે દારૂની હેરાફેરી નિષ્ફળ

અંબાજી પોલીસની ટીમ જ્યારે રાત્રિ દરમિયાન વાહનોનું ચેકિંગ કરી રહી હતી, ત્યારે રાજસ્થાન તરફથી આવી રહેલી એક શંકાસ્પદ કમાન્ડર જીપ નજરે પડી હતી. પોલીસે જીપને ઉભી રાખવાનો ઈશારો કરતા ડ્રાઈવરે જીપ ઉભી રાખવાને બદલે હંકારી મૂકી હતી. પોલીસે તાત્કાલિક જીપનો પીછો શરૂ કર્યો હતો. પોલીસ પીછો કરી રહી હોવાથી ગભરાયેલા ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને જીપ રસ્તા પર રહેલા છાણાના ઢગલા સાથે અથડાઈ હતી.

અકસ્માત બાદ બુટલેગર વાહન છોડી ભાગ્યો

અકસ્માત બાદ ડ્રાઈવર અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે જ્યારે જીપની તલાશી લીધી ત્યારે તેમાંથી મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ, બિયર અને દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા દારૂના જથ્થાની કિંમત ₹4 લાખથી વધુ આંકવામાં આવી છે. પોલીસે દારૂ અને કમાન્ડર જીપ સહિતનો તમામ મુદ્દામાલ કબજે કરી, ફરાર થઈ ગયેલા ડ્રાઈવર અને દારૂ મંગાવનાર ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Halvad: મકાનના દરવાજાનું તાળું તોડી 3.94 લાખના સોનાના દાગીનાની ચોરી, પોલીસમાં ફરિયાદ