બનાસકાંઠાના અંબાજી પાસે આવેલા ત્રિશુળિયા ઘાટ પર વધુ એક અકસ્માતની ઘટના બની છે. અંબાજીથી પાવડરનો જથ્થો ભરીને બોટાદ જઈ રહેલા એક ટ્રકની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ હતી. ઘાટના જોખમી વળાંક પર ટ્રક પરનો કાબૂ ગુમાવતા ટ્રક અનિયંત્રિત થઈ રેલિંગ સાથે ધડાકાભેર અથડાયો હતો.
રેલિંગ બની રક્ષક
અકસ્માતની આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે ટ્રક પૂરઝડપે વળાંક પરથી પસાર થતી વખતે પલટી મારી જાય છે. સદનસીબે, રસ્તાની સાઈડમાં લગાવેલી મજબૂત લોખંડની રેલિંગને કારણે ટ્રક ઊંડી ખીણમાં ખાબકતા બચી ગયો હતો. આ સુરક્ષા કવચના કારણે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે.
મોટું નુકસાન
અકસ્માત એટલો પ્રચંડ હતો કે ટ્રકની કેબિન પાછળનો બોડીનો ભાગ તૂટીને સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ટ્રકમાં ભરેલો પાવડરનો જથ્થો આખા રસ્તા પર વેરાઈ ગયો હતો, જેના કારણે થોડા સમય માટે વાહનવ્યવહારને પણ અસર પહોંચી હતી. સ્થાનિક પોલીસ અને લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
જોખમી ત્રિશુળિયા ઘાટ
ઉલ્લેખનીય છે કે ત્રિશુળિયા ઘાટ તેના તીવ્ર વળાંકો અને ઢાળ માટે જાણીતો છે. વારંવાર અહીં બ્રેક ફેલ થવાના કે વાહન પલટી જવાના કિસ્સાઓ બને છે. જો વહીવટી તંત્ર દ્વારા મુકાયેલી રેલિંગ મજબૂત ન હોત, તો આજે મોટી જાનહાનિ થઈ શકી હોત.
આ પણ વાંચો---- PM મોદી આવતીકાલે આવશે ગુજરાત, જાણો વડાપ્રધાનનો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ