બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે હાલમાં જ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો હેતુ શિક્ષણની ગુણવત્તા સુધારવા અને ભાવિ પેઢીના ઘડતર અંગે ચર્ચા કરવાનો હતો, પરંતુ આ કાર્યક્રમ કોઈ અન્ય કારણોસર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ શિક્ષણ વિભાગની ગંભીરતા સામે અનેક પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે.


રાજ્ય આચાર્ય સંઘની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ 

આ બેઠકમાં રાજ્ય સરકારના મંત્રી પ્રદુમન વાજા અને કમલેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીઓ જ્યારે મંચ પરથી રાજ્યના શિક્ષણ અને આચાર્યોની જવાબદારીઓ વિશે ગંભીર ભાષણ આપી રહ્યા હતા, ત્યારે સભાખંડમાં બેઠેલા કેટલાક આચાર્યો કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગયેલા જોવા મળ્યા હતા. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક-બે નહીં, પરંતુ 10થી વધુ આચાર્યો આરામથી ખુરશીમાં લળી પડ્યા હતા અને મંત્રીઓના સંબોધનની કોઈ જ અસર તેમના પર થતી નહોતી.

સવાલોના ઘેરામાં શિક્ષણના 'ઘડવૈયાઓ'

જે આચાર્યોના શિરે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ કરવાની અને તેમને જાગૃત રાખવાની જવાબદારી છે, તેઓ પોતે જ રાજ્ય સ્તરની મહત્વની બેઠકમાં આ રીતે ઘોર નિંદ્રામાં જોવા મળે તે બાબત અત્યંત આઘાતજનક છે. આ ઘટનાને પગલે સોશિયલ મીડિયા અને શિક્ષણ જગતમાં તીખી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

આ પણ વાંચો: મહાત્મા મંદિર ખાતે GSRTCનો નિમણૂંક પત્ર એનાયત સમારોહ, 4,700થી વધુ યુવાનોને મળી નોકરી



  • Follow us on: