અમરેલી શહેરના સરદાર પટેલ રમત-ગમત સંકુલ ખાતે યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવનો ઉર્જા, કાયદો અને ન્યાય રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના કરકમળે પ્રારંભ થયો હતો. આ સ્પર્ધામાં જિલ્લાભરના 1,250 જેટલા રમતવીરોએ કોથળા દોડ, રસ્સા ખેંચ, ખો-ખો અને ચેસની વિવિધ વયજૂથની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી આહ્વાનથી દેશભરમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે, જેના દ્વારા ખેલાડીઓને રમત-ગમતના માધ્યમથી પોતાની પ્રતિભા રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરવાની અમૂલ્ય તક પ્રાપ્ત થઈ રહી છે.
ખેલાડીઓ ભવિષ્યમાં રાજ્ય અને દેશનું નામ રોશન કરશે
તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાનના આહ્વાનને અનુસરીને દરેક સાંસદ દ્વારા ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાના રમતોત્સવો યોજવામાં આવી રહ્યા છે. આવા આયોજનથી ગ્રામ્ય વિસ્તારોના રમતવીરોને પણ પોતાની ક્ષમતા દર્શાવવાની તક મળી છે અને ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ના નારાને સશક્ત રીતે ઉજાગર કરવામાં મદદ મળી છે. ખેલ મહોત્સવ જેવી પ્રવૃત્તિઓથી રમત-ગમત પ્રત્યે યુવાઓમાં રુચિ વધે છે અને સ્વસ્થ સમાજની રચનામાં યોગદાન મળે છે. આ પ્રસંગે સાંસદ ભરત સુતરીયાએ જણાવ્યું હતું કે, આ રમતોત્સવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાનથી શરૂ કરવામાં આવ્યો છે. ગ્રામ્ય સ્તરના રમતવીરોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચવા માટે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક આ ખેલ મહોત્સવ પૂરી પાડે છે. આ મંચ પરથી ઊભરતા ખેલાડીઓ ભવિષ્યમાં રાજ્ય અને દેશનું નામ રોશન કરશે તેવી તેમણે આશા વ્યક્ત કરી.













