અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ વચ્ચે તંત્ર દ્વારા પીડિત પરિવારને વળતર ચૂકવવાની કામગીરી કરવામાં આવી છે. ધારી તાલુકાના ગોપાલગ્રામ ખાતે થોડા દિવસો પૂર્વે દીપડાના હુમલામાં માસૂમ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ વન વિભાગ દ્વારા મૃતકના પરિવારને રૂપિયા દસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે.
દીપડાના હુમલામાં જીવ ગુમાવનાર બાળકના પરિવારને સહાય
આ દુઃખદ ઘટના બાદ સરકાર દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી. મૃતકના નિવાસસ્થાને આયોજિત એક કાર્યક્રમમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં આર્થિક સહાય સોંપવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત લોકોમાં ધારી-બગસરા વિસ્તારના ધારાસભ્ય જે.વી. કાકડિયા, ધારી વન વિભાગના એસીએફ (ACF) જ્યોતિબેન વાંઝા, વાઇલ્ડ લાઇફ વોર્ડન મહાવીર બાપુ, ઉપરોક્ત તમામ મહાનુભાવોએ શોકમગ્ન પરિવારની મુલાકાત લઈ તેમને સાંત્વના પાઠવી હતી અને આ કપરા સમયમાં પરિવારને હિંમત રાખવા દિલાસો આપ્યો હતો.
