વર્ષ 2025ને વિદાય આપવા અને નવા વર્ષને આવકારવા માટેની તૈયારીઓ વચ્ચે અમરેલી જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ થઈ ગયું છે. 'થર્ટી ફર્સ્ટ'ની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને નશાખોરી પર લગામ લગાવી શકાય તે માટે અમરેલી એસપી (SP) સંજય ખરાત દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
જિલ્લાભરમાં 31 સ્પેશિયલ ચેકપોસ્ટ
અમરેલી જિલ્લાના પ્રવેશદ્વારો અને મહત્વના જંક્શનો પર કુલ 31 જેટલી હાઈ-ટેક ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ ચેકપોસ્ટ પર દરેક શંકાસ્પદ વાહનનું બારીકાઈથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને અમરેલી શહેર અને મુખ્ય માર્ગો પર મધરાતથી જ સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
ફાર્મ હાઉસ અને ગીર બોર્ડર પર 'વોચ'
નવા વર્ષની પાર્ટીઓના નામે ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસે વ્યૂહાત્મક આયોજન કર્યું છે. ગીર જંગલની સરહદ નજીક આવેલા ફાર્મ હાઉસ અને રિસોર્ટ્સમાં પોલીસની ટીમો દ્વારા ઓચિંતું ચેકિંગ કરવામાં આવશે.રાજુલા અને જાફરાબાદ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. નશાકારક પદાર્થો કે કેફી દ્રવ્યોની પાર્ટીઓ ન થાય તે માટે બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા છે.
નશો કરનારા સામે કડક કાર્યવાહી
અમરેલી એસપી સંજય ખરાતે સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે, "નવા વર્ષની ઉજવણીના નામે જો કોઈ વ્યક્તિ નશો કરતા અથવા નશાની હાલતમાં વાહન ચલાવતા પકડાશે, તો તેની સામે કાયદાની કડક કલમો હેઠળ ગુનો નોંધી જેલભેગા કરવામાં આવશે." બ્રેથ એનાલાઈઝર સાથે પોલીસની વિવિધ ટીમો રસ્તાઓ પર તૈનાત રહેશે.
આ પણ વાંચો: વિજયા જ્વેલર્સના શટર તોડી 8.20 લાખના દાગીનાની લૂંટ, રાત્રિના અંધકારમાં લાખોની મત્તા ચોરીથી વેપારી આલમમાં ફફડાટ