સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં તસ્કરોએ કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતા એક જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી છે. શહેરના જલારામ મંદિર રોડ પર આવેલી એક સોના-ચાંદીની દુકાનમાંથી તસ્કરો રાત્રિના અંધકારમાં લાખોની મત્તા ચોરી કરી ફરાર થઈ જતાં વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.
હિંમતનગરમાં તસ્કરોએ જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી
હિંમતનગરના જલારામ મંદિર રોડ પર આવેલા સહજાનંદ ડી એપાર્ટમેન્ટમાં 'વિજયા જ્વેલર્સ' નામની દુકાન આવેલી છે. ગત શનિવારની રાત્રિએ જ્યારે શહેર નિદ્રાધીન હતું, ત્યારે તસ્કરોએ આયોજનબદ્ધ રીતે દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ શોકેસ અને તિજોરીમાંથી સોના અને ચાંદીના કિંમતી દાગીનાની ચોરી કરી હતી, જેની કુલ કિંમત આશરે ₹8.20 લાખ આંકવામાં આવી રહી છે.
રાત્રિના અંધકારમાં લાખોની મત્તા ચોરી કરી ફરાર
દુકાન માલિક મયુર હનુમંત રાક્ષે દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, તસ્કરો નીચે મુજબની મત્તાની ચોરી કરી ગયા છે. સોનાના દાગીના (આશરે ₹2.20 લાખ) જેમાં 10 જોડી કાનની બુટ્ટી, 6 જોડી મિક્સ બુટ્ટી અને 4 સોનાની નથણીનો સમાવેશ થાય છે. ચાંદીના દાગીના (આશરે ₹6.00 લાખ) મોટી માત્રામાં ચાંદીના વિવિધ ઘરેણાં અને અન્ય ચીજવસ્તુઓ. ઘટનાની જાણ થતા જ હિંમતનગર એ ડિવિઝન પોલીસ કાફલો અને એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો:સૈનિક સ્કૂલ બાલાચડીમાં ઇન્ટર હાઉસ ઓબ્સ્ટેકલ સ્પર્ધા સંપન્ન, શિવાજી હાઉસનો દબદબો