અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં આવેલા હામાપુર ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક શ્રમિક પરિવારના માસૂમ બાળકને સિંહણે ફાડી ખાધું છે. પ્રાથમિક માહિતી મુજબ, બાળક વાડી વિસ્તારમાં રમી રહ્યું હતું ત્યારે જ અચાનક સિંહણ તેને ઉઠાવી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ શ્રમિક પરિવાર અને સ્થાનિક લોકોમાં હાહાકાર મચી ગયો હતો. સિંહણે કરેલા હુમલામાં બાળકનું કરૂણ મૃત્યુ થયું છે.

શ્રમિક પરિવાર પર આભ તૂટ્યું

તમને જણાવી દઈએ કે, ઘટનાની જાણ વન વિભાગને થતાં તાત્કાલિક સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વન વિભાગે મૃતક બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ (P.M.) અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી કરી હતી. હાલમાં, માનવ પર હુમલો કરનાર આ સિંહણને તાત્કાલિક પકડી લેવા માટે વન વિભાગ દ્વારા વિશેષ કવાયત અને છટકાં ગોઠવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનાથી બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના ભયનો માહોલ ફેલાયો છે.