અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાંથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરાથી ઊના તરફ જઈ રહેલા એક પરિવારની કાર અચાનક કાબૂ ગુમાવી દેતા પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં પરિવારના એક સભ્યનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે.
સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો
મળતી માહિતી અનુસાર, ભોગ બનનાર પરિવાર મૂળ હરિયાણાના બહાદુરગઢનો રહેવાસી છે. તેઓ બરોડાથી પોતાની કાર લઈને ઊના તરફ જઈ રહ્યા હતા. ત્યારે રાજુલા નજીક હાઈવે પર કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે કાર પલટી ખાઈને રોડની નીચે ઉતરી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ થઇ ગયો હતો.
બચાવ કામગીરી અને સારવાર
અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો અને માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આ ઘટનામાં પરિવારના ૫ સભ્યોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કમનસીબે, પરિવારના એક સભ્યને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
પોલીસે આગળની તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાઈવે પર આ અકસ્માતને કારણે થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. હરિયાણાથી ગુજરાત ફરવા આવેલા આ પરિવાર માટે આ મુસાફરી માતમમાં ફેરવાઈ જતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.










