સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે અમરેલી જિલ્લામાં ગુનેગારો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. વડિયા તાલુકાના બરવાળા બાવીશી ગામે માત્ર ટ્રેક્ટર પર રીલ્સ બનાવવાની સામાન્ય બાબતે થયેલા ઠપકાનું મનદુઃખ રાખી એક ખેતમજૂરે યુવાનની નિર્મમ હત્યા નિપજાવી છે. જોકે, અમરેલી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને લૂંટાયેલા મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
શું હતી સમગ્ર ઘટના?
બરવાળા બાવીશી ગામે રહેતા કર્ણદેવભાઈ વાળા પોતાની વાડીએ ગયા ત્યારે તેમનો મજૂર રવિ કરોલીયા ટ્રેક્ટરને જોખમી રીતે ચલાવી મોબાઈલમાં રીલ્સ બનાવી રહ્યો હતો. કર્ણદેવભાઈએ તેને આ જોખમી સ્ટન્ટ કરવા બાબતે ઠપકો આપ્યો હતો, જે રવિને પસંદ પડ્યું નહોતું. મોડી રાત્રે જ્યારે કર્ણદેવભાઈ ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે રવિએ રસ્તામાં પાછળથી હુમલો કરી લોખંડના પાઈપ અને પથ્થરના ઘા મારી તેમની કરપીણ હત્યા કરી નાખી હતી. હત્યા બાદ આરોપી મૃતકનું બાઈક લૂંટીને ફરાર થઈ ગયો હતો.
