ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો જંગ હવે તેના અંતિમ તબક્કે પહોંચ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની કુલ 9274 બેઠકો માટે મતદાન યોજાશે. જોકે, આ વખતે ઉમેદવારોની સાથે ચૂંટણી આયોગ માટે સૌથી મોટો પડકાર રાજ્યમાં વધતું જતું તાપમાન છે.


ચૂંટણીના આંકડા પર એક નજર

રાજ્યની કુલ 10,025 બેઠકોમાંથી 731 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, હવે બાકીની 9274 બેઠકો પર 25,551 ઉમેદવારોનું ભવિષ્ય મતદારો નક્કી કરશે. જેમાં 15 મહાનગરપાલિકાની 1001 બેઠકો અને 84 નગરપાલિકાની 2241 બેઠકોનો સમાવેશ થાય છે. પંચાયત સ્તરે પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં જિલ્લા પંચાયતની 1039 અને તાલુકા પંચાયતની 4983 બેઠકો પર મતદાન થશે.

ગરમીનો પારો સામે મતદાનનો પારો

હવામાન વિભાગે 27 એપ્રિલ સુધી હીટવેવની આગાહી કરી છે, જેમાં તાપમાન 42 થી 43 ડિગ્રી રહેવાની શક્યતા છે. ભૂતકાળમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ક્યારેય 46.08% થી વધુ મતદાન નોંધાયું નથી, ત્યારે આ વખતે આકરી ગરમી મતદાનની ટકાવારી ઘટાડી શકે તેવી ભીતિ સેવવામાં આવી રહી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ 'પહેલા મતદાન પછી જલપાન'નો મંત્ર આપી વહેલી સવારે મતદાન કરવા અપીલ કરી છે, જ્યારે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પણ મતદારોને ગરમીથી બચીને લોકશાહીના પર્વમાં ભાગ લેવા વિનંતી કરી છે.

તંત્રની સજ્જતા

આરોગ્ય વિભાગ અને ચૂંટણી આયોગ દ્વારા દરેક મતદાન મથક પર ORS, હીટવેવ કીટ અને પીવાના પાણીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કટોકટીના સમયે 108ની ટીમો પણ તૈનાત રહેશે. રાજકીય પક્ષો પણ મતદારોને વહેલી સવારે બૂથ સુધી પહોંચાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.


આ પણ વાંચો---     Local Body Elections 2026 :અમદાવાદમાં 'આપ' ના નેતાનું વિવાદાસ્પદ નિવેદન, સરકાર આવશે તો રસ્તા પર નમાજ પઢવા માટે કામ કરીશું

  • Follow us on: