અમરેલીના જાળિયા ગામે ગૌચર જમીનમાંથી બિનકાયદેસર રીતે માટી લેવાતી હોવાના માલધારીઓના આક્ષેપો સામે આજે મોટી સંખ્યામાં માલધારીઓ પોતાના માલઢોર અને પશુઓ સાથે ગૌચરમાં ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. માલધારી સમાજે ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો આગામી દિવસોમાં તેઓ ઉગ્ર આંદોલન કરવા મજબૂર થશે.
લગભગ 5000 મેટ્રિક ટન માટી ઉપાડવાની પરવાનગી
અમરેલી તાલુકાના ગાવડકા થી બગસરા રાષ્ટ્રીય ધોરી માર્ગના બે લેન અપગ્રેડેશન પ્રોજેક્ટ હેઠળ ચાલી રહેલા માટી કામને લઈ આજે જાળિયા ગામના માલધારી પશુપાલક સમાજ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાયો હતો. માહિતી મુજબ, પ્રોજેક્ટ માટે શ્રી કન્સ્ટ્રક્શનને સ. નં. 0 બિનનંબરી-6માંથી લગભગ 5000 મેટ્રિક ટન માટી ઉપાડવાની પરવાનગી આપવામાં આવી છે.
અન્ય સ્થળ એટલે કે સર્વે નં. 90ની ગૌચર જમીનમાંથી બિનકાયદેસર રીતે માટી ઉપાડવામાં આવી રહી છે
પરંતુ પરવાનગી ધરાવતા સ્થળ પરથી નહીં, પણ અન્ય સ્થળ એટલે કે સર્વે નં. 90ની ગૌચર જમીનમાંથી બિનકાયદેસર રીતે માટી ઉપાડવામાં આવી રહી હોવાનું જાળિયા ગામના માલધારીઓએ ગંભીર આક્ષેપો કર્યા છે. ગૌચર જમીન માલધારીઓ માટે જીવનાધાર સમાન હોવાથી આજે માલઢોર સાથે સામૂહિક રીતે ગૌચરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
અગાઉ કલેક્ટર તથા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી ચુક્યા છે
માલધારીઓનું કહેવું છે કે તેઓ અગાઉ કલેક્ટર તથા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી ચુક્યા છે, છતાં યોગ્ય ન્યાય ન મળતા આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બન્યા છે. વિરોધ દરમિયાન ‘ગૌચર બચાવો’ના સૂત્રોચ્ચાર સાથે માલધારીઓએ ચીમકી ઉચ્ચારી કે “જ્યાં સુધી ગૌચરમાં ખોદકામ અને માટી ઉપાડવાની પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ નહીં થાય, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.”
યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ
જાળિયા ગામની ગૌચર જમીનમાંથી બિનકાયદેસર ખોદકામ કરી ઉપાડવામાં આવેલી માટી અંગે જવાબદાર કસૂરવારો સામે યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ માલધારીઓએ તંત્ર સમક્ષ રજૂઆત કરી છે.
આ પણ વાંચો----- Mumbai Attack: બહાર મોતનો નગ્ન નાચ ચાલતો હતો અને હોસ્પિટલમાં ગોળીબાર વચ્ચે જ્યારે એક નર્સે પ્રસૂતિ કરાવી..આતંકી હુમલાની અંજલીની કહાની