અમરેલી જિલ્લાના સાવરકુંડલા મુકામે રાજ્ય સરકાર દ્વારા કે.કે.મહેતા સિવિલ હોસ્પિટલમાં બ્લડબેંકના નવ્ય પ્રકલ્પનો રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે શુભારંભ થયો હતો.આ અવસરે શહેરના સેવાભાવી સદભાવના ગૃપ દ્વારા શિવદરબાર આશ્રમના ઉષામૈયાની પ્રેરણાથી રક્તદાન કેમ્પ યોજાયો હતો.આ કેમ્પમાં સાવરકુંડલાવાસીઓ એ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી નાગરિકોના નિરામય ભવિષ્યનો સંકલ્પ કર્યો હતો.


સરકાર સંચાલિત બ્લડબેંક સાવરકુંડલાને આપી

આ પ્રસંગે રાજ્યમંત્રીકૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વિકાસની નવી કેડી કંડારતા અમરેલી જિલ્લાને હંમેશા ઉદાર હાથે સહાયતા કરી છે. વડાપ્રધાન મોદીના દ્વારા શરૂ કરવામાં આવેલી આયુષમાન યોજનાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની રૂ.૦૫-૦૫ લાખની સહાય આપી નાગરિકોના આરોગ્યની ચિંતા કરી છે. વર્ષો પહેલા સાવરકુંડલાની બ્લડ બેંકની માંગ પુરી કરી રાજ્ય સરકારે પ્રથમ સરકાર સંચાલિત બ્લડબેંક સાવરકુંડલાને આપી છે.આ પ્રસંગે આયોજિત રક્તદાન કાર્યક્રમ અંતર્ગત રક્તદાન કરનારા દાતાઓને રાજ્યમંત્રીએ પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રક્તદાનએ લોહીનું અનોખું સગપણ છે. રક્તદાન દ્વારા એક પરિવારનું જીવન બચી શકે છે અને જીવનની નવી જ્યોત પ્રજવલ્લિત થાય છે.

૧૫૦ બેડની નવી બિલ્ડીંગ બાંધવાની મંજૂરી

આ પ્રસંગે રાજ્ય મંત્રીએ બ્લડબેંકને ધરાતળ પર કાર્યરત કરવા માટે સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાને અભિનંદન પાઠવ્યા હતા. આ હૉસ્પિટલના પરિસરમાં આગામી દિવસોમાં રૂ. ૫૫ કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા ૧૫૦ બેડની નવી બિલ્ડીંગ બાંધવાની મંજૂરી પણ આપવામાં આવી છે. સાવરકુંડલાની શખાવતી પ્રવૃત્તિ અને સેવાભાવી સંસ્થા સદભાવના દ્વારા આયોજિત રક્તદાન કેમ્પથી આ બ્લડબેંકની શરૂઆત નાગરિકોને જરૂરિયાતના સમયે મદદ કરશે.આ કાર્યક્રમમાં ૧૦૯ વખત રક્તદાન કરનારા પ્રવિણભાઈ સાવજનું મંત્રીના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું.


આ પણ વાંચોઃ Ahmedabad News: જાણો કોણ છે જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર જૂતૂ ફેંકનાર, ક્ષત્રિય યુવાને કોનો બદલો લીધો?


  • Follow us on: