અમરેલીમાં ગોઝારી ઘટનાઓ બનવાનો સીલસીલો આજે પણ યથાવત રહ્યો છે. આવામાં આજે એક યુવતીનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં આવેલા ઈંગોરાળા ગામમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. આ યુવતીનો મૃતદેહ કુવામાં પડેલી હાલતમાં મળી આવ્યો છે.
2 કલાકની જહેમત બાદ કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો
બાબરાના ઈંગોરાળા ગામના એક કુવામાંથી આ યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. અમરેલી ફાયર વિભાગ દ્વારા 2 કલાકની જહેમત બાદ કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ મૃતક યુવતીનું ક્રિષ્નાબેન ગોરસવાનો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ યુવતીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે બાબરા ખાતે લઈ જવામાં આવ્યો હતો.
પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ સામે આવશે મોતનું સાચું કારણ
યુવતી ક્યા કારણોસર કુવામાં પડી ગઈ તે પોલીસ તપાસ બાદ બહાર આવશે. હાલ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. જોકે, મોતનું સાચું કારણ તો પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે. આ યુવતી સાથે કોઈ ખોટું થયું છે કે કેમ એ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો - Morbi News: કેનાલ રોડ પર ત્રિપલ અકસ્માત, કાર, રિક્ષા અને બાઈક ટકરાતા બે લોકોના મોત