નવા વર્ષની ઉજવણી એટલે કે 'થર્ટી ફર્સ્ટ'ને લઈને અમરેલી જિલ્લા પોલીસ સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગઈ છે. જિલ્લા પોલીસ વડા (SP) સંજય ખરાતની સીધી સૂચના હેઠળ અમરેલી શહેરથી લઈને રાજુલાના દરિયાકાંઠા સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને ગીરના જંગલ વિસ્તારની આસપાસ આવેલા ફાર્મ હાઉસ અને રિસોર્ટ્સમાં કોઈ નશાની પાર્ટી કે ગેરકાયદે પ્રવૃત્તિ ન થાય તે માટે પોલીસ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સમગ્ર જિલ્લામાં મહત્વના પોઈન્ટ્સ પર 31 જેટલી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે, જ્યાં દરેક શંકાસ્પદ વાહન અને વ્યક્તિની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
31st ની પાર્ટી પર પોલીસ 'વોચ'
અમરેલી શહેરમાં પણ મધરાતથી જ પોલીસ દ્વારા મેગા વાહન ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. SP સંજય ખરાતે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો કોઈ વ્યક્તિ નશો કરેલી હાલતમાં ઝડપાશે અથવા પ્રતિબંધિત પદાર્થો સાથે પકડાશે, તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. શાંતિપૂર્ણ માહોલમાં નવા વર્ષની ઉજવણી થાય તે હેતુથી બ્રેથ એનાલાઈઝર અને અન્ય આધુનિક સાધનો સાથે પોલીસની ટીમો તૈનાત છે. પોલીસની આ સતર્કતાને પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.













