અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામે શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર ઝડપાયું હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ટેન્કરને ઝડપીને સમગ્ર મામલો જાહેર કર્યો છે.
દૂધ યુનિટમાંથી અરવલ્લી જિલ્લામાં દૂધનું ટેન્કર જતું હોવાની માહિતી
યુવરાજસિંહના જણાવ્યા મુજબ, તેઓ ઘણા સમયથી શંકાસ્પદ દૂધની રેકી કરી રહ્યા હતા. હનુમાન ખીજડીયા સ્થિત “દ્વારકેશ” નામના દૂધ યુનિટમાંથી અરવલ્લી જિલ્લામાં દૂધનું ટેન્કર જતું હોવાની માહિતી મળતા ટેન્કર ઝડપાયું હતું.
જે ગામમાં એક બકરી પણ ન હોય ત્યાંથી 10 હજાર લીટર દૂધ કેવી રીતે આવે?
તેમણે સવાલ ઉઠાવ્યો કે, “જે ગામમાં એક બકરી પણ ન હોય ત્યાંથી 10 હજાર લીટર દૂધ કેવી રીતે આવે? આ શંકાસ્પદ બાબત છે.” સાથે જ પ્રાઈવેટ સ્ત્રોતમાંથી દૂધ લઈ સહકારી ડેરી સુધી કેમ પહોંચાડવામાં આવતું હતું તે મુદ્દે પણ પ્રશ્નો ઉઠાવ્યા.
ટેન્કરને પોલીસ મથકે લાવવામાં આવ્યું
ઝડપાયેલ ટેન્કરને પોલીસ મથકે લાવવામાં આવ્યું છે. યુવરાજસિંહ જાડેજાએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સેમ્પલ લઈ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે.
યુવરાજસિંહની કાર પર હુમલો થયાનો પણ આરોપ
આ દરમિયાન ટેન્કર રોકાતા યુવરાજસિંહની કાર પર હુમલો થયાનો પણ આરોપ છે. તેમની ગાડીના કાચ ફોડી સાથમાં રહેલા મિત્ર અને ડ્રાઈવર સાથે મારામારી કરાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હુમલો જેતપુર તાલુકાની હદમાં થતા જેતપુર પોલીસને જાણ કરવામાં આવી છે.
પોલીસ દ્વારા તપાસ
હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે અને દૂધના સેમ્પલના અહેવાલ બાદ આગળની કાર્યવાહી થશે.
આ પણ વાંચો---- Surat : કુખ્યાત ચિરાગ ગોટીનો પોલીસે વરઘોડો કાઢ્યો, નામચીન ગોટી સામે નોંધાયા 6થી વધુ કેસ