અમરેલી જિલ્લાના લીલીયા પંથકમાં આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં રોડ પર આવેલા એક ઊંડા ખાડામાં મુસાફરો ભરેલું બાઇક અચાનક ખાબક્યું હતું. આ બાઇક પર એક પુરુષ અને બે મહિલાઓ સવાર હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણેય વ્યક્તિઓ ઊંડા ખાડામાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરોની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ ત્રણેય લોકોને સુરક્ષિત રીતે ખાડામાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા.
લીલીયા પંથકમાં અરેરાટી
દુર્ભાગ્યવશ, હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પુરુષનું કરૂણ મોત નીપજ્યું છે, જેના કારણે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અન્ય બે મહિલાઓને પણ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી હાલમાં તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સ્થાનિકોમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે, લોકોનો આક્ષેપ છે કે રસ્તા પરના ભયજનક ખાડાઓને કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે અને નિર્દોષ લોકોનો જીવ જાય છે. પોલીસ દ્વારા આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.













