સમગ્ર ગુજરાતમાં અત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલા ઐતિહાસિક નીલકંઠ મહાદેવ મંદિર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પર્વને વધાવવા માટે મંદિરમાં સતત 72 કલાકની અવિરત શિવ ધૂનની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના શિવાલયોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શિવ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાઈને ભગવાન ભોળાનાથની આરાધના કરી રહ્યા છે.
72 કલાકનો અખંડ જપ
અસારવાના નીલકંઠ મહાદેવ મંદિરમાં આયોજિત આ શિવ ધૂનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ભગવાન શિવજીની શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરી હતી અને ધૂનમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે રાજ્યના મંત્રી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના સાંસદ દિનેશ મકવાણા, મેયર પ્રતિભા જૈન સહિતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સોમનાથની અતૂટ આસ્થાને યાદ કરવા માટે શરૂ થયેલી આ 72 કલાકની ધૂનથી સમગ્ર વિસ્તાર શિવમય બન્યો છે અને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.













