અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કુખ્યાત ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીની બેરેકમાંથી આઈફોન સહિત બે મોબાઈલ મળી આવ્યા છે. આ ઉપરાંત બે સીમ કાર્ડ પણ મળી આવ્યા છે. ત્યારે સેન્ટ્રલ જેલની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયાં છે. જેલમાં હાઈ સિક્યુરિટી ઝોનમાં કેદી પાસેથી મોબાઈલ મળતા જેલ તંત્ર સામે સુરક્ષાને લઈને સવાલો ઉભા થયાં છે. દિવાલમાં બાકોરૂ પાડીને પ્લાસ્ટિકના ડબ્બામાં ફોન છુપાવ્યા હતાં. આ અંગે રાણીપ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


સીમકાર્ડ અને ચાર્જર મળી આવ્યું

સાબરમતિ સેન્ટ્રલ જેલમાં ખુંખાર કેદીઓ વચ્ચે કુખ્યાત ગેંગસ્ટર વિશાલ ગોસ્વામી પણ બંધ છે. જેલમાં હાઈ સિક્યુરિટી કહેવાતા ઝોનમાંથી આઈફોન સહિતના મોબાઈલ અને સીમકાર્ડ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે ઈન્ચાર્જ જેલ એસપી જિજ્ઞેશ ચાવડાએ કહ્યું હતું કે, ગઈકાલે જેલમાં સર્ચ કરવામાં આવ્યું હતું. પુસ્તકો મુકવાના પાટીયામાંથી સીમકાર્ડ અને ચાર્જર મળી આવ્યું હતું. ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીના બેરેકમાંથી બંને મોબાઈલ મળ્યા છે. મોબાઈલના વપરાશ અંગે તપાસ ચાલુ છે.

ફોન કોલ અને મુલાકાતો પણ બંધ થઈ શકે છે

ઈન્ચાર્જ જેલ એસપી જિજ્ઞેશ ચાવડાએ વધુમાં કહ્યું હતું કે, આ ઘટનામાં રાણીપ પોલીસ તપાસ કરી રહી છે. વિશાલ ગોસ્વામીને પાંચેક મહિના પહેલા જ આ બેરેકમાં મુકવામાં આવ્યો હતો. હવે કેદીના લાભ પર પ્રતિબંધ મુકાઈ શકે છે. ફોન કોલ અને મુલાકાતો પણ બંધ થઈ શકે છે. કેદી વિરુધ જેલ ખટલા અને જેલ સજા ની કાર્યવાહી કરી શકાય છે. અગાઉ જેલમાંથી તેણે ખંડણી માંગી હતી. જેલમાં રોજબરોજ ચેકિંગ થાય છે. આવી વસ્તુઓ ના મળે તે માટે કાર્યવાહી ચાલુ છે. 


આ પણ વાંચોઃ Vadodara News : "અધિકારીઓ પોતાની જાતને સરકાર સમજે છે"?, ધારાસભ્યોનો વહીવટ સામે બળવો, જાણો શું છે સમગ્ર મામલો...


  • Follow us on: