ગુજરાતના રાજકારણમાં વડોદરા જિલ્લાના ભાજપના પાંચ ધારાસભ્યોએ એકસાથે મળીને વહીવટી તંત્ર સામે જે રીતે બ્યૂગલ ફૂંક્યું છે, તેણે સચિવાલયથી લઈને સ્થાનિક તંત્ર સુધી ખળભળાટ મચાવી દીધો છે. ધારાસભ્ય કેતન ઇનામદાર, શૈલેષ મહેતા, ચૈતન્ય ઝાલા, અક્ષય પટેલ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સંયુક્ત હસ્તાક્ષર સાથે મુખ્યમંત્રીને પત્ર લખીને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની કાર્યશૈલી પર સવાલિયા નિશાન ઊભા કર્યા છે.


અધિકારીઓનો 'કાચના મહેલ'માં વહીવટ

ધારાસભ્યોનો સૌથી મોટો આક્ષેપ એ છે કે જિલ્લા કલેક્ટર, DDO અને પોલીસ કમિશનર જેવા ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અધિકારીઓ માત્ર એરકન્ડિશન્ડ ઓફિસોમાં બેસીને વીડિયો કોન્ફરન્સ દ્વારા વહીવટ ચલાવે છે. જમીની હકીકત અને પ્રજાની મુશ્કેલીઓથી તેઓ ખૂબ દૂર છે. પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે, અધિકારીઓ સરકાર સમક્ષ સત્ય રજૂ કરવાને બદલે 'બધું જ બરાબર છે' તેવું ખોટું અને ગુલાબી ચિત્ર રજૂ કરી સરકારને ગેરમાર્ગે દોરી રહ્યા છે.જ્યારે જનપ્રતિનિધિઓ પ્રજાના પ્રશ્નો લઈને જાય છે ત્યારે અધિકારીઓ તેમની વાત સાંભળવાની તસ્દી પણ લેતા નથી. પત્રમાં આરોપ છે કે કેટલાક અધિકારીઓ તો "પોતે જ સરકાર છે" તેવા અહંકારમાં રાચે છે. જો કોઈ નાગરિક ધારાસભ્યની મદદ લે તો અધિકારીઓ તે નાગરિકને પજવણી કરે છે અને પૂછે છે કે "તમે ધારાસભ્ય પાસે કેમ ગયા?".આ પ્રકારની માનસિકતા લોકશાહીના પાયા પર ઘા સમાન છે.

પ્રજા માટે 'યુદ્ધ' સમાન બન્યા નાના કામો

ધારાસભ્યોએ વ્યથા ઠાલવતા કહ્યું કે, પ્રજાએ પોતાના નાના કામો કરાવવા માટે પણ યુદ્ધ જેવી સ્થિતિનો સામનો કરવો પડે છે. વહીવટી તંત્રની અસંવેદનશીલતા અને મનસ્વીતાને કારણે સરકારની છબી ખરડાઈ રહી છે. જે સરકાર 'પ્રજાભિમુખ' હોવાનો દાવો કરે છે, તેના જ અધિકારીઓ પ્રજાના દુઃખ-દર્દ પ્રત્યે બેદરકાર હોવાનું પત્રમાં સાફ શબ્દોમાં લખાયું છે. વડોદરાના પાંચેય ધારાસભ્યોએ મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે આવા મનસ્વી અધિકારીઓ સામે તત્કાલ કડક પગલાં લેવામાં આવે. પ્રજા અને લોકપ્રતિનિધિઓના અવાજને દબાવનારા અધિકારીઓને સબક શીખવાડવો જરૂરી છે જેથી વહીવટી તંત્ર ફરી પાટા પર આવી શકે અને લોકોના કામો વિલંબ વગર થઈ શકે.

આ પણ વાંચો : Rajkot News : વિંછીયા ફાયરિંગ કેસમાં મોટું એક્શન, રાજકોટ ગ્રામ્ય પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી

  • Follow us on: