અમરેલી જિલ્લામાં બદલાયેલા હવામાન વચ્ચે એક મોટી દુર્ઘટના સામે આવી છે. ચલાળા શહેરમાં આવેલી પીજીવીસીએલ (PGVCL) કચેરીના પરિસરમાં આકાશી વીજળી ત્રાટકતા અફરાતફરી મચી ગઈ હતી. સબ સ્ટેશનમાં આવેલા ભારે ક્ષમતાના ટ્રાન્સફોર્મર (ટીસી) પર વીજળી પડવાને કારણે ત્યાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતને પગલે ભારે ધડાકો થયો હતો અને સમગ્ર પંથકમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે.
ધડાકા સાથે ટ્રાન્સફોર્મર સળગી ઉઠ્યું
મળતી માહિતી મુજબ, ચલાળા ખાતે આવેલી પીજીવીસીએલ ઓફિસના એસએસ (સબ સ્ટેશન)માં આ ઘટના બની હતી. વરસાદી માહોલ વચ્ચે અચાનક જ કાન ફાડી નાખે તેવા કડાકા સાથે વીજળી સીધી જ ચાલુ ટ્રાન્સફોર્મર પર પડી હતી. વીજળી પડતાની સાથે જ શોર્ટ સર્કિટ થવાને કારણે ટ્રાન્સફોર્મરમાં જોરદાર આગ લાગી ગઈ હતી અને તેમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા.
સમગ્ર પંથકમાં લાઈટો ગુલ, અંધારપટ છવાયો
મુખ્ય ટ્રાન્સફોર્મર જ આગની લપેટમાં આવી જતાં વીજ વિતરણ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. ચલાળા મુખ્ય મથક ઉપરાંત તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ એકાએક લાઈટો ગુલ થઈ ગઈ હતી. ચોમાસાની શરૂઆતમાં જ વીજળી પડવાની આ ઘટનાને કારણે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.
કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી
ઘટનાની ગંભીરતાને જોતાં પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ અને લાઇનમેનની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. સદ્દનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. નુકસાનગ્રસ્ત થયેલા ટ્રાન્સફોર્મરને બદલવા અથવા તેને રિપેર કરવા માટે પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, બને તેટલી ઝડપે વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો - Amreli News: રાજુલાના છતડીયા બ્રિજ નીચે કાર અને બાઇક વચ્ચે અકસ્માત, વૃદ્ધનું મોત