ભાવનગર-સોમનાથ કોસ્ટલ હાઈવે પર સિંહોના અકાળે મોતની ઘટનાઓએ વન્યપ્રેમીઓમાં ભારે રોષ જગાડ્યો છે. તાજેતરમાં એક સિંહણના મોતના કેસમાં વનવિભાગે તપાસનો ધમધમાટ તેજ કરી કારચાલક વીરેન્દ્ર રાઠોડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલી-ભાવનગર હાઇવે પર સિંહના મોતનો કેસ
ACF વિરલ સિંહની ટીમ દ્વારા હાઈવે પરના સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી શંકાસ્પદ કારને ટ્રેક કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વનવિભાગે વીરેન્દ્ર રાઠોડની અટકાયત કરી તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેણે અકસ્માત સર્જ્યો હોવાની કબૂલાત આપી છે. ચોંકાવનારી વિગત એ છે કે, આરોપી વીરેન્દ્ર રાઠોડ ગાંધીનગર પોલીસ આવાસ નિગમમાં કરાર આધારિત સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે.
કોસ્ટલ બેલ્ટ વન્યપ્રાણીઓ માટે 'ડેથ ઝોન'
સૌરાષ્ટ્રનો ભાવનગર-સોમનાથ કોસ્ટલ હાઈવે વન્યપ્રાણીઓ માટે અત્યંત ઘાતક સાબિત થઈ રહ્યો છે. આંકડાકીય માહિતી મુજબ છેલ્લા 1 માસમાં 2 સિંહ અને 1 દીપડાએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. હાઈવે પર વાહનોની અનિયંત્રિત ગતિ વન્યજીવો માટે કાળ સાબિત થઈ રહી છે.
તંત્રમાં નારાજગી અને કાર્યવાહી
વન્યપ્રાણીઓના સતત થતા મોતને પગલે વનવિભાગના ઉચ્ચ અધિકારીઓએ લાલ આંખ કરી છે. સિનિયર અધિકારીઓએ સ્થાનિક RFO (રેન્જ ફોરેસ્ટ ઓફિસર) સામે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે અને હાઈવે પર પેટ્રોલીંગ વધારવા તેમજ ગતિ મર્યાદાના નિયમોનું કડક પાલન કરાવવા આદેશ આપ્યા છે. હાલ જાફરાબાદ વનવિભાગે વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: Mahisagar: વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી ઝાપટાં, જગતનો તાત ચિંતાતૂર