અમરેલી જિલ્લાના વડિયા અને મોરવાડા વચ્ચે આજે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે જતી એક રીક્ષા અને મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર થતા બંને વાહનચાલકો લોહીલુહાણ થયા હતા. જોકે, અકસ્માત બાદ ઘટનાસ્થળે એકત્ર થયેલા લોકોએ જે દ્રશ્યો જોયા તે જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા.

બંને ચાલકોની હાલત ગંભીર

મળતી માહિતી મુજબ, વડિયા-મોરવાડા માર્ગ પર અકસ્માત સર્જાતા બાઇક સવાર અને રીક્ષા ચાલક બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત બાઇક ચાલકની હાલત વધુ નાજુક જણાતા તેને તાત્કાલિક જૂનાગઢ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યો છે, જ્યારે રીક્ષા ચાલકને વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યો છે.

કેફી પીણુંની પોટલીઓના વીડિયો વાયરલ

આ અકસ્માત બાદ સોશિયલ મીડિયામાં કેટલાક વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અકસ્માતગ્રસ્ત રીક્ષામાં મોટા પ્રમાણમાં કેફી પીણું (દેશી દારૂ) ની થેલીઓ ભરેલી હતી. અકસ્માત થતા આ પોટલીઓ રસ્તા પર વેરાઈ ગઈ હતી. એક વીડિયોમાં ઇજાગ્રસ્ત રીક્ષા ચાલક લોકો પાસે હાથ જોડીને માફી માંગતો પણ નજરે પડે છે.

આ પણ વાંચો: Valsad: કપરાડાના કુંભ ઘાટમાં ટ્રકની બ્રેક ફેલ થતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, ટ્રક ચાલકનું કમકમાટીભર્યું મોત