અમરેલીના ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર માનવતા અને કાયદાને શર્મસાર કરતી ઘટના બની છે. રાજુલા તાલુકાના નિંગાળા ગામ નજીક નેશનલ હાઈવે પર ભાવેશ ભીલ નામના યુવકનું અપહરણ કરી તેની માતાની ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ હિંસક હુમલા પાછળ પ્રેમસંબંધની અદાવત હોવાનું બહાર આવ્યું છે.
પ્રેમસંબંધમાં ખેલાયો ખૂની ખેલ
મળતી માહિતી મુજબ, ભોગ બનનાર યુવક ભાવેશ ભીલને આરોપીઓના સગાની યુવતી સાથે પ્રેમસંબંધ હતો. આ બાબતનો ખાર રાખીને ૯ જેટલા શખ્સોએ હાઈવે પર આયોજનબદ્ધ રીતે હુમલો કર્યો હતો. આરોપીઓએ પ્રથમ ભાવેશને બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે ભાવેશની માતાએ પોતાના પુત્રને બચાવવા આજીજી કરી અને વિરોધ કર્યો તો ક્રૂર બનેલા આરોપીઓએ તેમની માતા પર કાર ચડાવી દીધી હતી. ગંભીર ઈજાઓ થવાને કારણે માતાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
LCB નું દિલધડક ઓપરેશન
પુત્ર ભાવેશનું અપહરણ કરીને આરોપીઓ તેને મહુવા તરફ લઈ જઈ રહ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ અમરેલી એલ.સી.બી. (LCB) ની ટીમ સક્રિય થઈ હતી. પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં આરોપીઓનો પીછો કરીને ભાવેશ ભીલને અપહરણકારોના ચુંગાલમાંથી હેમખેમ બચાવી લીધો હતો. જોકે, આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેમને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે.
કથળતી કાયદો અને વ્યવસ્થા
નેશનલ હાઈવે પર જાહેર માર્ગ પર બનેલી આ હત્યાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં આરોપીઓની બેફામ દાદાગીરી સ્પષ્ટ જોઈ શકાય છે. પીપાવાવ મરીન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી મારામારી, ધાકધમકી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધી રહી છે, ત્યારે આ ઘટનાએ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા કર્યા છે. પીપાવાવ મરીન પોલીસે હાલ ૯ શખ્સો વિરુદ્ધ હત્યા અને અપહરણ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Panchmahal: સુરતથી વતન પરત ફરતા પરિવારને કાળ ભેટ્યો, અકસ્માતમાં માતા-પિતા અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત