પંચમહાલ જિલ્લામાં ગોધરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આજે વહેલી સવારે એક કાળજું ધ્રુજાવી દેતો અકસ્માત સર્જાયો હતો. સુરતથી પોતાના વતન મહીસાગર પરત ફરી રહેલા બ્રાહ્મણ પરિવારની કાર આગળ જતી ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ત્રણ લોકોના સ્થળ પર જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા.
એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત
મળતી માહિતી મુજબ, મહીસાગર જિલ્લાના મૂડાવડેખ ગામના વતની અને સુરતમાં રહેતા બ્રાહ્મણ પરિવારને આ અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં માતા, પિતા અને પુત્રનું કરુણ મોત નીપજ્યું છે. પરિવારમાં હવે માત્ર 8 વર્ષની દીકરી બચી છે, જેની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
હાઈવે પર સુરક્ષા સામે સવાલો
નોંધનીય છે કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવેને હજુ થોડા સમય પહેલા જ ટ્રાયલ રન માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જોકે, ટૂંકા ગાળામાં જ આ હાઈવે પર અનેક જીવલેણ અકસ્માતો નોંધાયા છે. હજુ થોડા દિવસો પહેલા જ આ જ હાઈવે પર અન્ય એક અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત નીપજ્યા હતા. સતત સર્જાતા અકસ્માતોને પગલે હાઈવેની સુરક્ષા અને વાહનોની ગતિ મર્યાદાને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
પોલીસની પ્રાથમિક તપાસ
ઘટનાની જાણ થતા જ હાઈવે પોલીસ અને સ્થાનિક પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢી પીએમ (પોસ્ટમોર્ટમ) માટે મોકલવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વતનમાં ખુશીના પ્રસંગે કે મુલાકાતે આવી રહેલા પરિવાર પર કાળ ત્રાટકતા મૂડાવડેખ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો: Rajkot: 20 બાળકો કેન્સર અને 20 બાળકો થેલેસેમિયાથી ગ્રસ્ત, 783 બાળકોમાં એનીમિયાના લક્ષણો જોવા મળ્યા