રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની તમામ આંગણવાડીઓ, સરકારી શાળાઓ અને ખાનગી શાળાઓમાં હાથ ધરાયેલી આરોગ્ય ચકાસણીમાં હચમચાવી દેતી વિગતો સામે આવી છે. બાળકોના સ્વાસ્થ્યને લઈ તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ મુજબ, હજારો માસૂમ બાળકો વિવિધ બીમારીઓ અને કુપોષણ સામે ઝઝૂમી રહ્યા છે.

કુપોષણ અને સ્થૂળતાનો બેવડો માર

આરોગ્ય ચકાસણીમાં કુલ 29,286 બાળકો કુપોષણને લગતી કોઈને કોઈ બીમારીથી પીડાતા હોવાનું નોંધાયું છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે બદલાતી જીવનશૈલીને કારણે 15,060 બાળકો 'સ્થૂળતા' (Obesity) નો શિકાર બન્યા છે. માત્ર નાના બાળકોમાં જ ૨૧૮ બાળકો એવા છે જેમાં ડાયાબિટીસના લક્ષણો જોવા મળ્યા છે, જે ભવિષ્ય માટે ખતરાની ઘંટડી સમાન છે.

કેન્સર અને થેલેસેમિયા જેવા ગંભીર રોગો

આરોગ્ય તપાસ દરમિયાન માસૂમ બાળકોમાં કેન્સર અને થેલેસેમિયા જેવી જીવલેણ બીમારીઓ પણ જોવા મળી છે. રિપોર્ટ અનુસાર, ૨૦ બાળકો કેન્સર ના દર્દી છે, જ્યારે અન્ય 20 બાળકો થેલેસેમિયા મેજરની બીમારી ધરાવે છે. આ ઉપરાંત, લોહીની ઉણપ એટલે કે એનીમિયાના લક્ષણો ધરાવતા ૭૮૩ બાળકો પણ મળી આવ્યા છે.

તંત્ર દ્વારા સારવારની ખાતરી

આરોગ્ય ચકાસણીમાં જે બાળકો બીમાર મળ્યા છે, તેમને તાત્કાલિક સારવાર અને જરૂરી પોષણ મળી રહે તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ આ બાળકોને સિવિલ હોસ્પિટલ અથવા અન્ય આરોગ્ય કેન્દ્રો પર રીફર કરવામાં આવશે. આ આંકડાઓએ વાલીઓ માટે પણ જાગૃત થવાની અને બાળકોના આહાર-વિહાર પર ધ્યાન આપવાની જરૂરિયાત સ્પષ્ટ કરી છે.

આ પણ વાંચો: Surat: બોગસ આધારકાર્ડ દ્વારા 10 કરોડની સાડીઓ પડાવનાર તામિલનાડુનો ઠગ જેલભેગો