સુરતનું ટેક્સટાઇલ માર્કેટ ફરી એકવાર છેતરપિંડીની ઘટનાને લઈ ચર્ચામાં આવ્યું છે. જોકે, આ વખતે સુરત પોલીસની ઇકો સેલ શાખાએ પ્રોમ્પ્ટ કાર્યવાહી કરીને એક એવા ઠગને ઝડપી પાડ્યો છે જેણે દસ્તાવેજોમાં ચેડાં કરી વેપારીઓનો વિશ્વાસ જીત્યો અને કરોડોનો ચૂનો લગાવ્યો હતો.

નકલી કંપની બનાવી વેપારીઓને લૂંટ્યા

આરોપી ગણેશ થનગાવેલ, જે મૂળ તામિલનાડુનો વતની છે, તેણે સરકાર દ્વારા આપવામાં આવતા આધારકાર્ડમાં ડિજિટલ છેડછાડ કરી હતી. આ નકલી આધારકાર્ડના આધારે તેણે કર્ણાટકના મૈસૂરમાં 'શિવમ ટ્રેડર્સ' નામની એક બોગસ પેઢી ઉભી કરી હતી. આ પેઢીના નામે તેણે સુરતના કાપડના વેપારીઓનો સંપર્ક કર્યો અને મોટા પાયે ઓર્ડર આપી કુલ 10 કરોડ રૂપિયાની સાડીઓ મેળવી લીધી હતી.

ચૂકવણું કર્યા વગર થયો ફરાર

સાડીઓનો મોટો જથ્થો મૈસૂર મંગાવ્યા બાદ જ્યારે પેમેન્ટનો સમય આવ્યો ત્યારે આરોપીએ પોતાની ઓફિસ બંધ કરી દીધી અને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. સુરતના વેપારીઓએ જ્યારે તપાસ કરી ત્યારે માલૂમ પડ્યું કે જે આધારકાર્ડ અને દસ્તાવેજો આપવામાં આવ્યા હતા તે તમામ બોગસ હતા.

પોલીસ તપાસ અને રિમાન્ડ

વેપારીઓની ફરિયાદના આધારે ઇકો સેલ પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી ગણેશને ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે ૪ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. પોલીસને શંકા છે કે આ છેતરપિંડીમાં અન્ય લોકો પણ સંડોવાયેલા હોઈ શકે છે અને તેણે અગાઉ અન્ય કેટલા વેપારીઓને નિશાન બનાવ્યા છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Ahmedabad: સબ રજીસ્ટ્રાર કચેરીનું મોટું લાંચકાંડ ઝડપાયું, ACBએ 2.50 લાખના મુદ્દામાલ સાથે ચારને દબોચ્યા