અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ દ્વારા માનવ પર હુમલાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. ગીર પૂર્વના દલખાણીયા રેન્જમાં એક અત્યંત કરુણ બનાવ બન્યો છે, જ્યાં દીપડો માતાની નજર સામે જ એક વર્ષની બાળકીને ઉઠાવી ગયો હતો અને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
માતા રોટલી બનાવતી હતી અને દીપડો ત્રાટક્યો
આ હૃદયદ્રાવક ઘટના ત્રંબકપુર ગામે બની હતી. અહીં ખેડૂત પરસોતમભાઈ મોરીની વાડીમાં મધ્યપ્રદેશ (MP)નો એક પરપ્રાંતીય મજૂર પરિવાર ભાગ્યો રાખીને રહેતો હતો.મળતી માહિતી મુજબ, બાળકીની માતા બાળકીને પોતાની બાજુમાં બેસાડીને રોટલી બનાવી રહી હતી. તે જ સમયે, અચાનક દીપડો ત્રાટક્યો અને ૧ વર્ષની બાળકી રીન્કુ અર્જુન નીનામાને ઉઠાવીને જંગલ તરફ ભાગી ગયો હતો. આ ઘટનાથી માતા સ્તબ્ધ થઈ ગઈ હતી.
ચાર દિવસમાં ત્રીજી ઘટના
અમરેલી જિલ્લામાં છેલ્લા માત્ર ચાર દિવસના ગાળામાં જ સિંહ અને દીપડા દ્વારા માનવ પર હુમલાની આ ત્રીજી ગંભીર ઘટના નોંધાઈ છે, જેના કારણે સ્થાનિકો અને મજૂર પરિવારોમાં ભયનો માહોલ ફેલાયો છે. મૃતક બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધારીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
વન વિભાગે 7 પાંજરા મૂક્યા
ઘટનાની જાણ થતાં જ દલખાણીયા રેન્જના RFO (રેન્જ ફોરેસ્ટ ઓફિસર) સહિત વન વિભાગ અને પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.વન વિભાગે આ માનવ ભક્ષી બની ગયેલા દીપડાને પકડવા માટે તાત્કાલિક અસરથી આ વિસ્તારમાં કુલ ૭ પાંજરાં ગોઠવી દીધા છે. સ્થાનિકોએ વન વિભાગ સત્વરે દીપડાને પકડીને આવા બનાવો અટકાવે તેવી માંગ કરી છે.
આ પણ વાંચો: જીન વિસ્તારમાં રાત્રિ દરમિયાન તસ્કરોનો આતંક, સોસાયટીમાં બંધ મકાનને બનાવ્યું નિશાન