અમરેલીના વીજપડી ગામે રહેતી 22 વર્ષીય તેજલબેન હિતેશભાઈ ચારોલીયા નામની પરિણીતાએ ગઈકાલે રાત્રે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જોકે, આ ઘટના બાદ પરિણીતાના પિયર પક્ષે સાસરીયાઓ પર ગંભીર આક્ષેપ લગાવતા સમગ્ર મામલે રહસ્ય ઘેરાયું છે.
ટુંકા લગ્નગાળામાં કરૂણ અંત
અમરેલીની વતની તેજલબેનના લગ્ન બે વર્ષ પૂર્વે વીજપડી ગામના હિતેશભાઈ ચારોલીયા સાથે થયા હતા. આ દંપતીને એક વર્ષનો નાનો દીકરો પણ છે. મળતી માહિતી મુજબ, લગ્ન બાદ પતિ-પત્ની અને પરિવાર વચ્ચે અવારનવાર ઘરકંકાસ થતો હતો. ગઈકાલે રાત્રે પણ પતિ-પત્ની વચ્ચે મોટો ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે.
હત્યા કરી હોવાનો આક્ષેપ
પરિણીતાના મોતની ખબર મળતા જ પિયર પક્ષના લોકો સાવરકુંડલા હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. તેજલબેનના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, સાસરીયાઓ દ્વારા તેને અસહ્ય ત્રાસ આપી, માર મારીને તેની હત્યા કરવામાં આવી છે અને ત્યારબાદ આ ઘટનાને આપઘાતનું સ્વરૂપ આપવા માટે લાશને લટકાવી દેવામાં આવી છે.બીજી તરફ, મૃતકના સાસુનું કહેવું છે કે, પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને જ્યારે આ ઘટના બની ત્યારે પરિવારના અન્ય સભ્યો ઘરે હાજર નહોતા.
PM રિપોર્ટ પર સૌની નજર
સાવરકુંડલા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે આ ખરેખર આપઘાત છે કે હત્યા. પોલીસે પિયર પક્ષના નિવેદનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.
આ પણ વાંચો:DGVCLના વર્ગ-3 અને 4ના કર્મચારીઓ મેદાને, પડતર માંગણીઓ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને કરી રજૂઆત