અમરેલી જિલ્લામાં અચાનક બદલાયેલા વાતાવરણ અને ફૂંકાયેલા મીની વાવાઝોડાએ ખાંભા અને આસપાસના ગીરના ગામડાઓમાં ખેતીને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને ગીરની શાન ગણાતી કેસરી કેરીના પાક પર કુદરતી આફત ત્રાટકતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે.
ખાંભામાં કેસરી કેરીનો પાક ખરી પડ્યો
ખાંભા પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડવાને કારણે આંબા પરથી તૈયાર થયેલી કેરીઓ નીચે ખરી પડી હતી. ખાંભા શહેરના પ્રગતિશીલ ખેડૂત બાબાભાઈના જણાવ્યા અનુસાર, તેમનો 10 વીઘાનો આંબાનો બગીચો હતો. સીઝન પૂરી થવા આવી હતી ત્યારે જ અચાનક આવેલા વાવાઝોડાએ આખા બગીચામાં કેરીનો સોથ વાળી દીધો છે. વર્ષભરની મહેનત અને મોંઘા ભાવની દવા-ખાતર પાછળ કરેલો ખર્ચ માથે પડતા ખેડૂતની હાલત કફોડી બની છે.
