ડાયમંડ સિટીનું નામ આવે એટલે લોકોને સુરત શહેર જ મનમાં આવે છે. હવે સૌરાષ્ટ્રમાં પણ એક ડાયમંડ સિટી મળે તેવા સમાચાર સામે આવ્યા છે. અમરેલીમાં હીરા ઉદ્યોગ મોટાપાયે વિકસ્યો છે. જે કારણે અમરેલીમાં 150થી વધુ ઓફિસો ધરાવતું ડાયમંડ માર્કેટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે અમરેલી ડાયમંડ એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ સૌરાષ્ટ્રના રત્ન કલાકારોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.


અમરેલીમાં 150થી વધુ ઓફિસો ધરાવતું ડાયમંડ માર્કેટ બનશે

અમરેલી જિલ્લામાં હાલ હીરાના 947 કારખાનાઓ આવેલા છે. જેમાં 47,000 રત્ન કલાકારો કામ કરી રહ્યા છે. અમરેલી ડાયમંડ એસોસિએશન દ્વારા 150થી વધુ ઓફિસો ધરાવતું ડાયમંડ માર્કેટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે ડાયમંડ વેપારીઓએ મંત્રી કૌશિક વેકરિયા સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્ય સરકાર અમરેલીના વિકાસ માટે પૂરતો ટેકો આપશે, તેવું આશ્વાસન મંત્રી કૌશિક વેકરિયાએ આપ્યું છે.

ગુજરાતનું નવું 'ડાયમંડ હબ' બનશે અમરેલી

અમરેલી ડાયમંડ માર્કેટમાં લોકર રૂમ, ટુ-ફોર વ્હીલર પાર્કિંગ જેવી સુવિધા ઉભી કરવામાં આવશે. આ માર્કેટ બન્યા બાદ હીરાના વેપારીઓ, એજન્ટ, નાના કારખાનેદારોને નવી તકો મળશે. અમરેલી ડાયમંડ એસોસિએશનની આ જાહેરાત બાદ અમરેલી ગુજરાતનું નવું 'ડાયમંડ હબ' બનશે. આ સાથે સૌરાષ્ટ્રને ડાયમંડ સિટી મળશે. આ નિર્ણય સાથે જ અમરેલી જિલ્લાના હીરા ઉદ્યોગ માટે સુવર્ણ યુગની શરૂઆત થશે, તેવી રત્ન કલાકારોને આશા છે.

અમરેલીના વિકાસ માટે પૂરતો ટેકો આપશે રાજ્ય સરકાર

અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ લલિત ઠુંમરે જણાવ્યું હતું કે, અમરેલીને રિયલ ડાયમંડના ગઢ તરીકે વિકસાવવા માટે અમે રણશિંગુ ફૂંક્યું છે. અમરેલીમાં ટૂંક સમયમાં 150થી વધુ અદ્યતન ઓફિસો ધરાવતું ભવ્ય ડાયમંડ માર્કેટ બનશે. અમરેલી જિલ્લામાં હાલ 947 કારખાના અને 47,000 રત્નકલાકારો કાર્યરત છે, જેમને હવે નવી ઓળખ મળશે. આ અંગે રાજ્ય મંત્રી કૌશિક વેકરિયા સાથે બેઠક કરવામાં આવી હતી. રાજ્ય સરકાર અમરેલીના વિકાસ માટે પૂરતો ટેકો આપશે.

સુરત બાદ હવે અમરેલી ડાયમંડ માર્કેટમાં ડંકો વગાડશે

લલિત ઠુંમરે વધુમાં જણાવ્યું હતું કે, નવા માર્કેટમાં સેફ્ટી માટે લોકર રૂમ અને 60-70 ફોર-વ્હીલ બાઈક પાર્કિંગની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. દર શનિવારે સમગ્ર ગુજરાતમાંથી હીરાના વેપારીઓ ખરીદી માટે અમરેલી ઉમટી રહ્યા છે. ઉદ્યોગપતિઓ સાથે વાતચીત ચાલુ છે, અને હજારો યુવાનોને ઘર આંગણે રોજગારી મળશે. હીરા ઉદ્યોગમાં વેપારીઓ, દલાલો અને નાના કારખાનેદારો માટે નવી તકો ઉભી થશે. સુરત બાદ હવે અમરેલી ડાયમંડ માર્કેટમાં ડંકો વગાડશે.


આ પણ વાંચો - Amreli News : અમરેલીમાં સાયબર ફ્રોડ કેસમાં ઐતિહાસિક ચુકાદો,‘સરપ્રાઈઝ ગિફ્ટ’ના બહાને છેતરપિંડી આચરનાર નાઇજીરીયન મહિલાને 7 વર્ષની કેદ થઈ


  • Follow us on: