અમરેલી શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ભોજન સમારંભમાં નિર્દોષ નાગરિક પર હુમલો કરી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થયેલા કુખ્યાત હિસ્ટ્રીશીટર યુવરાજ શિવકુ મકવાણાને પોલીસે દબોચી લીધો છે. ગુનેગારોમાં પોલીસનો ખૌફ જળવાઈ રહે તે માટે તેનું જાહેરમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું.
ભોજન સમારંભમાં કર્યો હતો હુમલો
ઘટનાની વિગતો મુજબ, અમરેલીમાં એક ભોજન સમારંભ દરમિયાન યુવરાજ મકવાણાએ મારામારી કરી હતી. તેણે ફરિયાદીને ઢોર માર મારી છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા જ પોલીસની અલગ-અલગ ટીમો તેને શોધવા માટે સક્રિય થઈ હતી.
DYSP ની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન
ઇન્ચાર્જ એસપી જયવીર ગઢવીના કડક આદેશ બાદ, અમરેલી સીટી પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ના કાફલાએ આરોપીને ઝડપી પાડ્યો હતો. આજે ચકરગઢ રોડ પર આવેલી અમૃતનગર શેરીમાં, જ્યાં બનાવ બન્યો હતો ત્યાં આરોપીને લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. DYSP ની સીધી દેખરેખ હેઠળ પોલીસે પંચનામું કર્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને પોલીસે આરોપીને જાહેરમાં ચલાવીને કાયદાનો ડર બતાવ્યો હતો.
12થી વધુ ગુનાઓનો ઈતિહાસ
યુવરાજ મકવાણા કોઈ સામાન્ય ગુનેગાર નથી. તેની સામે અત્યાર સુધીમાં અલગ-અલગ ૧૨ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. અગાઉ એક હત્યાના પ્રયાસ (307) ના કેસમાં તેને કોર્ટે 10 વર્ષની સજા અને 25,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આ સજા કાપીને તે હાલમાં જામીન પર જેલની બહાર હતો, પરંતુ ફરી એકવાર ગુનાખોરી આચરતા હવે તે જેલના સળિયા પાછળ ધકેલાયો છે.
આ પણ વાંચો: Ahmedabad: સેટેલાઇટમાં લગ્નની માથાકૂટમાં વેવાઈની કરપીણ હત્યા, 4શખ્સોએ માથામાં ફટકા મારી પતાવી દીધા