એક તરફ સરકાર ‘સ્વચ્છ ભારત’ અભિયાન પાછળ કરોડો રૂપિયાના ધુમાડા કરી રહી છે, ત્યારે બીજી તરફ અમરેલીના વડિયામાં આ અભિયાનના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે. વડિયાના ઢોળવા નાકા પાસે આવેલું પેટા આરોગ્ય કેન્દ્ર પોતે જ ગંદકીના ગંજમાં ફસાઈ ગયું છે, જે વહીવટી તંત્રની નિષ્ક્રિયતાની ચાડી ખાય છે.


ગટરના પાણી અને ઉકરડાનું સામ્રાજ્ય

પેટા આરોગ્ય કેન્દ્રની બિલકુલ નજીક ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે અને રસ્તાઓ પર ફરી વળ્યા છે. કેન્દ્રની આસપાસ ગંદકી અને કચરાના ઉકરડાઓ ખડકાયા છે. નવાઈની વાત એ છે કે, જ્યાં લોકો બીમારીના ઈલાજ માટે અને સાજા થવા માટે આવે છે, તે જ સ્થળ અત્યારે રોગચાળાનું ઉદગમ સ્થાન બની ગયું હોય તેવું લાગે છે.

ગામ પંચાયતના દાવાઓ પોકળ

વડિયા ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ઢોળવા નાકા વિસ્તારમાં ગંદા પાણીના કારણે લોકોનું ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. સ્થાનિકો અને દર્દીઓ ગંદકીની દુર્ગંધ વચ્ચે મુશ્કેલી વેઠી રહ્યા છે.

રોગચાળાની ભીતિ

સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો વહેલી તકે આ ગંદકીનો નિકાલ કરવામાં નહીં આવે, તો વિસ્તારમાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે. વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા સ્વચ્છતા અભિયાનને વડિયાના સ્થાનિક તંત્ર દ્વારા લાંછન લગાડવામાં આવી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.

આ પણ વાંચો:  Rajkot: મનહરપુર ગામે એક અઠવાડિયામાં દીપડાએ 7 પશુઓને ફાડી ખાધા, ખેડૂતોમાં ફેલાઈ દહેશત

  • Follow us on: