રાજકોટ-ભાવનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે, ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભુવા રોડ નજીક આજે બે કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 8 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
ઘટનાની વિગત
ઘટનાની મળતી વિગતો અનુસાર, એક પરિવાર લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો, ત્યારે સાવરકુંડલાના ભુવા ગામ નજીક બે કાર સામસામે અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બંને કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા. લગ્નની ખુશીમાં જઈ રહેલા પરિવારમાં આ અકસ્માતને પગલે ભારે ચીસાચીસ મચી ગઈ હતી અને ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો.
તાત્કાલિક સારવાર અને સેવા
અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. તમામ 8 ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સાવરકુંડલાની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ ખાતે નગરપાલિકા પ્રમુખ સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ ઈજાગ્રસ્તોની વ્હારે આવ્યા હતા અને જરૂરી સારવાર મળે તે માટે જહેમત ઉઠાવી હતી.
પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ સાવરકુંડલા પોલીસ કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે મૃતક યુવકના દેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. લગ્ન પ્રસંગે જતાં પરિવાર સાથે બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
આ પણ વાંચો - Amreli News: જેસીંગપરામાં લગ્ન પ્રસંગમાં લોહીયાળ જંગ, નજીવી બાબતે મારામારી