અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બગસરાના જુના ઝાંઝરીયા ગામે વાડીમાં કામ કરતા બે ખેતમજૂરોના કૂવામાં પડી જવાથી કરૂણ મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં એક સાથીને બચાવવા જતાં બીજા મજૂરે પણ જીવ ગુમાવ્યો છે.


અમરેલી કૂવામાં પડતા 2 ખેતમજૂરના મોત

ઘટનાની વિગતો મુજબ, જુના ઝાંઝરીયા ગામની એક વાડીમાં ખેતમજૂરો કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અકસ્માતે એક ખેતમજૂર વાડીમાં આવેલા ઊંડા કુવામાં ખાબક્યો હતો. પોતાના સાથીને ડૂબતો જોઈ, બીજો મજૂર તેને બચાવવા માટે તાત્કાલિક કુવામાં કૂદી પડ્યો હતો. જોકે, કુવામાં પાણી વધારે હોવાથી અને કોઈ સાધન ન હોવાથી બંને મજૂરો બહાર નીકળી શક્યા નહોતા અને આખરે ડૂબી જવાથી બંનેના મોત થયા હતા.

તંત્ર અને ફાયર વિભાગની કામગીરી

વાડીના માલિકને જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે તેમણે તુરંત સ્થાનિક તંત્ર અને પોલીસને જાણ કરી હતી. અમરેલી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ બંને ખેતમજૂરોના મૃતદેહોને કુવાની બહાર કાઢ્યા હતા. બગસરા પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે ખેતમજૂર પરિવારોમાં અને સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો : લીંબડીના શિયાણીમાં પોલીસ અને આરોપી સામસામે, છરીના હુમલા સામે પોલીસે ચલાવી ગોળી

  • Follow us on: