સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામે ગુનાનું રિ-કન્સ્ટ્રક્શન કરવા ગયેલી પોલીસ ટીમ પર આરોપીએ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. આ હિંસક ઘટનામાં પીએસઆઈએ સ્વ-બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું, જેમાં આરોપીને પગમાં ગોળી વાગી છે.
સુરેન્દ્રનગરમાં પોલીસનું આરોપી પર ફાયરિંગ
પ્રાપ્ત વિગતો અનુસાર, મારામારીના એક ગુનામાં પકડાયેલા આરોપી દેવરાજ બોરાણાને પોલીસ ટીમ તપાસના ભાગરૂપે રિ-કન્સ્ટ્રક્શન માટે શિયાણી ગામે લઈ ગઈ હતી. આ પ્રક્રિયા ચાલતી હતી તે દરમિયાન અચાનક આરોપી દેવરાજે ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલી છરી વડે પોલીસ કર્મચારીઓ પર હુમલો કરી દીધો હતો. આ અચાનક થયેલા હુમલામાં એક પોલીસ કર્મચારીને ઈજાઓ પહોંચી હતી.
પીએસઆઈનું સ્વ-બચાવમાં ફાયરિંગ
આરોપી વધુ હિંસક બને અને અન્ય કર્મચારીઓના જીવ જોખમમાં મૂકાય તે પહેલાં સ્થિત પર હાજર પીએસઆઈ વી.એમ. કોડિયાતર દ્વારા તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે સ્વ-બચાવમાં અને આરોપીને કાબૂમાં લેવા માટે પોતાની સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં એક ગોળી આરોપી દેવરાજના પગમાં વાગી હતી, જેના કારણે તે ત્યાં જ ઢળી પડ્યો હતો.
બંનેને હોસ્પિટલ ખસેડાયા
ઘટના બાદ તરત જ ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારી અને ગોળી વાગવાથી ઘાયલ થયેલા આરોપી દેવરાજ બોરાણાને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે લીંબડીની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગળની તપાસ તેજ કરી છે.
આ પણ વાંચો: Upleta: ઉપપ્રમુખ કલ્પેશ ધંધુકિયા પક્ષમાંથી સસ્પેન્ડ, કોંગ્રેસનો ખેસ ધારણ કરવો ભારે પડ્યો