રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ઉપલેટા તાલુકા ભાજપમાં મોટો ભડકો થયો છે, જેમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ તાલુકા ભાજપના ઉપપ્રમુખને કાયમી ધોરણે પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.


પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કડક કાર્યવાહી

ઉપલેટા તાલુકા ભાજપ પ્રમુખ મયંક ધિંગાણી દ્વારા શિસ્તભંગના મામલે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. તાલુકા ભાજપના ઉપપ્રમુખ તરીકે કાર્યરત કલ્પેશ ધંધુકિયાને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવા બદલ પક્ષમાંથી કાયમી ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ભાજપના આકરા વલણે સમગ્ર પંથકના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.

કોંગ્રેસનો ખેસ ધારણ કરવો ભારે પડ્યો

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે કલ્પેશ ધંધુકિયાના કેટલાક ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા. જવાબદાર હોદ્દા પર હોવા છતાં કલ્પેશભાઈએ કોંગ્રેસના એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ત્યાં વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. ભાજપમાં રહીને વિરોધ પક્ષનો ખેસ ધારણ કરતા ફોટા સામે આવતા જ સંગઠન હરકતમાં આવ્યું હતું અને શિસ્તભંગનું કારણ ધરી તેમની તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરવામાં આવી હતી.

કાર્યકરો માટે કડક ચેતવણી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે ત્યારે ભાજપ પ્રમુખ મયંક ધિંગાણી દ્વારા લેવાયેલો આ નિર્ણય અન્ય કાર્યકરો અને હોદ્દેદારો માટે પણ એક કડક ચેતવણી સમાન માનવામાં આવી રહ્યો છે. પક્ષના શિસ્તનો ભંગ કરનાર ગમે તેટલા મોટા હોદ્દા પર હશે તો પણ તેને સાંખી લેવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંકેત આ કાર્યવાહી દ્વારા આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો:ડિજિટલ એરેસ્ટના પ્રયાસ બાદ ધારાસભ્ય યોગેશ પટેલ લાલઘૂમ, ગૃહ મંત્રી હર્ષ સંઘવીને લખ્યો પત્ર

  • Follow us on: