વડોદરાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલને તાજેતરમાં 'ડિજિટલ એરેસ્ટ' કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સાયબર ફ્રોડના કિસ્સા બાદ તેઓ હરકતમાં આવ્યા છે અને ભવિષ્યમાં રાજ્યના નાગરિકો સાથે આવી છેતરપિંડી ન થાય તે માટે તેમણે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને એક પત્ર લખીને કડક કાયદો બનાવવાની રજૂઆત કરી છે.


યોગેશ પટેલની મહત્વની રજૂઆતો

ધારાસભ્ય યોગેશ પટેલે તેમના પત્રમાં સીમકાર્ડના વેચાણને લઈને પાયાના ફેરફારો કરવાની માંગ કરી છે.  રોડ-રસ્તા કે લારીઓ પર જે રીતે સહેલાઈથી સીમકાર્ડ મળી રહ્યા છે, તે પ્રથા તાત્કાલિક બંધ કરાવવી જોઈએ. આ રીતે વેચાતા સીમકાર્ડનો ઉપયોગ ગુનેગારો દ્વારા વધુ કરવામાં આવે છે. સીમકાર્ડ ખરીદનારની સાથે-સાથે તેના સાક્ષીઓનું ઓળખપત્ર અને તેમના બાયોમેટ્રિક પુરાવા લેવા જોઈએ, જેથી કોઈ પણ નંબરના મૂળ માલિક સુધી સહેલાઈથી પહોંચી શકાય. માત્ર કંપનીના અધિકૃત (Authorized) ડીલરો જ સીમકાર્ડનું વેચાણ કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. સાયબર ક્રાઈમની વધતી ઘટનાઓને રોકવા માટે આગામી વિધાનસભા સત્રમાં આ અંગે અલગથી કડક કાયદો બનાવવાની માંગ પણ તેમણે કરી છે.

સાયબર ઠગોએ MLAને ડિજિટલ એરેસ્ટ કરવાનો ભય બતાવ્યો હતો

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ સાયબર ઠગોએ ધારાસભ્ય યોગેશ પટેલને ફોન કરી તેમને ડિજિટલ એરેસ્ટ કરવાનો ભય બતાવ્યો હતો. જોકે, તેમણે સતર્કતા દાખવી આ ઠગાઈનો ભોગ બનતા બચ્યા હતા. આ કિસ્સાએ સાબિત કર્યું છે કે હવે વીઆઈપી વ્યક્તિઓ પણ સાયબર ક્રિમિનલ્સના નિશાના પર છે.

આ પણ વાંચો: 6 તારીખે ઉત્તર અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં પાણી નહીં આવે, જાણો કયા 11 વિસ્તારોમાં થશે અસર

  • Follow us on: