અમરેલી જિલ્લાના વડિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પશુઓમાં એક ભેદી અને રહસ્યમય રોગચાળો જોવા મળી રહ્યો છે. આ અજાણ્યા રોગના કારણે કેટલાક પશુઓના મોત પણ થયા હોવાના અહેવાલોને પગલે સ્થાનિક માલધારીઓ અને પશુપાલકોમાં ભારે ફફડાટ અને આક્રોશનો માહોલ હતો. આ ગંભીર સ્થિતિની નોંધ લઈને આખરે પશુ આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે અને રોગચાળાને ડામવા માટે મોટી કવાયત હાથ ધરી છે.
1200 પશુઓના બ્લડ સેમ્પલ લેવાશે
રોગચાળાનું સાચું કારણ અને તેના લક્ષણોને વૈજ્ઞાનિક રીતે ઓળખવા માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તપાસ અભિયાન શરૂ કરાયું છે. પશુ ચિકિત્સકોની જુદી-જુદી ટીમો બનાવીને વડિયા વિસ્તારના અંદાજે ૧૨૦૦ જેટલા અસરગ્રસ્ત અને શંકાસ્પદ પશુઓના બ્લડ સેમ્પલ લેવાની કામગીરી યુદ્ધના ધોરણે આરંભી દેવામાં આવી છે.
