રાજુલાના મોટા આગરીયા ગામમાં મધરાતે સિંહોના એક ટોળાએ પ્રવેશ કરતા ગ્રામજનોમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. શિકારની શોધમાં નીકળેલા આ વનરાજો ગામની ગલીઓમાં ઘૂસી આવ્યા હતા. આ દરમિયાન ગામની શેરીઓમાં પશુઓ અને જંગલી ભૂંડ જીવ બચાવવા માટે આમતેમ દોડતા જોવા મળ્યા હતા. સિંહો જે રીતે પશુઓની પાછળ પડ્યા હતા તે દ્રશ્યો કોઈ ફિલ્મી સીન જેવા ભયાનક લાગતા હતા. આ સમગ્ર ઘટના ગામમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં સિંહો શિકાર માટે પશુઓની પાછળ પૂરઝડપે દોડતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

ગામની ગલીઓથી હાઈવે સુધી સિંહોનો પીછો

CCTV ફૂટેજમાં જોવા મળે છે કે, સિંહથી બચવા માટે પશુઓ ગામની સાંકડી શેરીઓમાંથી ભાગીને છેક રાજુલા-સાવરકુંડલા હાઈવે પર પહોંચી ગયા હતા. સિંહ પણ હાર માન્યા વગર હાઈવે સુધી તેમની પાછળ દોડ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી રાજુલા પંથકમાં સિંહોના રહેણાંક વિસ્તારોમાં વિચરણના વીડિયો અવારનવાર સામે આવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા આ મામલે યોગ્ય સુરક્ષા પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.