સુરતમાં આવેલી શિવ રેસીડેન્સીમાં દીવાલ ધરાશાયી થવાની ઘટનાને પગલે રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ ઘટનાના 48 કલાક વીતી ગયા હોવા છતાં પણ બિલ્ડર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી સુરત મહાનગરપાલિકાના કમિશનર અને મેયરે રૂબરૂ મુલાકાત લીધી હતી. તેઓએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી રહીશોની સમસ્યાઓ સાંભળી હતી અને આ મામલે બિલ્ડરની નિષ્કાળજી અંગે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી હતી.
મેયરે બિલ્ડરને આપ્યું અલ્ટિમેટમ
તંત્ર દ્વારા આ મામલે હવે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. મેયર અને કમિશનરે બિલ્ડર સાથે સીધી ચર્ચા કરી તેને તાત્કાલિક અસરથી સમારકામ શરૂ કરવા અને કામગીરીમાં ઝડપ લાવવા કડક સૂચના આપી છે. સાથે જ એવી તાકીદ પણ કરવામાં આવી છે કે જો સમયસર કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો જવાબદારો સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે. આ મુલાકાત બાદ રહીશોમાં ન્યાયની આશા જાગી છે અને વહીવટી તંત્રએ પણ તપાસ બાદ દોષિતો સામે આકરા પગલાં લેવાની ખાતરી આપી છે.













