ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરોએ લાલ આંખ કરી છે. આણંદ સેવા સદન ખાતે આવેલી ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ફરજ બજાવતો રેવન્યુ તલાટી ગૌરવ રાજપૂત રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જતાં મહેસૂલી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. આણંદ ACBની ટીમે સેવા સદન કેમ્પસમાં જ છટકું ગોઠવીને આ સફળ ટ્રેપ કરી હતી.
સેવા સદનમાં જ ગોઠવ્યું લાંચનું છટકું
ઘટનાની મળતી વિગત અનુસાર, ફરિયાદીના કોઈ મહેસૂલી કામકાજ અર્થે રેવન્યુ તલાટી ગૌરવ રાજપૂતે રૂપિયા 10,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આણંદ ACBનો સંપર્ક કર્યો હતો. જે બાદ, એસીબીના અધિકારીઓએ પૂર્વ આયોજિત પ્લાન મુજબ આણંદ સેવા સદન ખાતે છટકું ગોઠવ્યું હતું. તલાટી જેવો લાંચની રકમ સ્વીકારવા ગયો કે તરત જ એસીબીની ટીમે તેને દબોચી લીધો હતો.













