આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં આવેલા નવાખલ ગામે આજે એક ભયાનક દુર્ઘટના ઘટી હતી. ગામના જૈન દેરાસર વિસ્તારમાં આવેલું એક મકાન અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું હતું. આ સમયે મકાનમાં હાજર દંપતી કાટમાળ નીચે દટાઈ જતાં સમગ્ર પંથકમાં ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો.
સ્થાનિક યુવાનોની સમયસૂચકતા
મકાન પડવાનો અવાજ આવતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. મકાન નીચે દંપતી દટાયું હોવાની જાણ થતા જ સ્થાનિક યુવાનોએ તંત્ર કે જેસીબીની રાહ જોયા વગર પોતે જ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. જીવના જોખમે યુવાનોએ મિનિટોની જહેમત બાદ દંપતીને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.
