'ચરોતરની નગરી' આણંદમાં આજે વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો સામે લાલ આંખ કરવામાં આવી છે. શહેરની પ્રખ્યાત અને સૌથી વ્યસ્ત એવી મોટી શાક માર્કેટમાં લાંબા સમયથી ખડકાયેલા ગેરકાયદેસર દબાણો પર આજે તંત્રએ જેસીબી ફેરવી દીધું હતું. APMC દ્વારા હાથ ધરવામાં આવેલી આ આક્રમક કાર્યવાહીથી બજારના દબાણકર્તાઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી.


[[$googlead]]

માર્કેટમાં સંકડામણ વધતા લેવાયો નિર્ણય

આણંદની મોટી શાક માર્કેટમાં દિન-પ્રતિદિન ગેરકાયદેસર દબાણો વધી રહ્યા હતા. ખાસ કરીને વેપારીઓ દ્વારા રસ્તા પર વધારાના ઓટલા બનાવી દેવામાં આવ્યા હતા, જેના કારણે માર્કેટમાં ખરીદી કરવા આવતા ગ્રાહકો અને વાહનચાલકો માટે રસ્તો ખૂબ જ સાંકડો બની ગયો હતો. ટ્રાફિક જામ અને સંકડામણની સતત આવતી ફરિયાદોને ધ્યાને રાખીને APMC પ્રશાસન દ્વારા આ દબાણો તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

[[$alsoread]]

ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી

કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કામગીરીમાં અવરોધ ન આવે તે માટે પોલીસના મોટા કાફલાને સાથે રાખવામાં આવ્યો હતો. પોલીસની હાજરીમાં જેસીબી મશીનો દ્વારા એક પછી એક ગેરકાયદેસર ઓટલાઓને તોડી પાડવામાં આવ્યા હતા. તંત્રની આ કડક કાર્યવાહી જોઈને કેટલાક દબાણકર્તાઓએ વિરોધનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસની કડકાઈ સામે કોઈનું કંઈ ચાલ્યું નહોતું.

શહેરના રસ્તાઓ હવે બનશે મોકળા

APMCની આ કામગીરી બાદ મોટી શાક માર્કેટનો વિસ્તાર હવે ખુલ્લો અને મોકળો દેખાઈ રહ્યો છે. સ્થાનિક રહીશો અને ગ્રાહકોએ તંત્રના આ પગલાને આવકાર્યું છે. આગામી સમયમાં પણ જો ફરીથી દબાણ કરવાનો પ્રયાસ થશે તો વધુ કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે. આ ઓપરેશનથી અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં પણ ફફડાટ ફેલાયો છે.


આ પણ વાંચો - Rajkot News: ખારચિયા અને મોટાદડવા વચ્ચે સિંહના આંટાફેરા, ખેડૂતોમાં ડરનો માહોલ, જુઓ Video


  • Follow us on: