રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં વનરાજાના આગમનથી ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ઉત્તેજના અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જસદણના ખારચિયા અને મોટાદડવા ગામ વચ્ચેના સીમ વિસ્તારમાં સિંહના આંટાફેરા જોવા મળ્યા છે. જે કારણે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. સિંહ મેઈન રોડ અને વાડી વિસ્તારોમાં લટાર મારતો હોવાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
મેઈન રોડ પર સિંહના આટાંફેરા
ઘટનાની મળતી માહિતી અનુસાર, ગત રાત્રિના સમયે મોટાદડવા ગામ પાસેના વાડી વિસ્તારમાં અને મુખ્ય માર્ગ પર સિંહ જોવા મળ્યો હતો. સિંહ રોડ ઓળંગીને ખેતરો તરફ જતો હોવાના દ્રશ્યો સીસીટીવી અને લોકોના મોબાઈલ કેમેરામાં કેદ થયા છે. પ્રાથમિક માહિતી મુજબ, આ સિંહ કોટડા સાંગાણી પંથક તરફથી મોટા દડવા ગામ તરફ આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. જસદણ જેવા પંથકમાં સિંહની હાજરીથી વન વિભાગ પણ સતર્ક બન્યું છે.
