આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના સુરેલી ગામ પાસે આજે એક અત્યંત કરુણ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે જઈ રહેલી બાઇક અચાનક સ્લિપ થઈ જતાં સર્જાયેલા આ અકસ્માતમાં બે યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.


આણંદમાં બાઇક સ્લિપ થતા બે મિત્રોના મોત

પ્રાપ્ત માહિતી અનુસાર, સંજયભાઈ ચૌહાણ અને મહેશભાઈ પરમાર નામના બે યુવાનો પોતાની બાઇક પર સુરેલી ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક બાઇક સ્લિપ થઈ જતા બંને યુવાનો રોડ પર ફંગોળાયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે સંજયભાઈ ચૌહાણનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા મહેશભાઈ પરમારને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન મહેશભાઈ પરમારે પણ અંતિમ શ્વાસ લીધા હતા.

બંને યુવાનો રોડ પર ફંગોળાયા

અકસ્માતના સમાચાર મળતા જ આસપાસના ગ્રામજનો અને પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ઉમરેઠ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Una: હોસ્પિટલ પરિસરમાં જ આધેડે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ


  • Follow us on: