આણંદ જિલ્લાના ભાલેજ વિસ્તારમાં નજીવી બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. સોસાયટીના રસ્તાના વિવાદને લઈને એક જ કોમના બે જૂથો સામસામે આવી જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ અથડામણમાં પથ્થરમારો અને ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બંને પક્ષના કુલ 6 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

રસ્તાના વિવાદે પકડ્યું હિંસક સ્વરૂપ

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાલેજમાં આવેલી એક સોસાયટીના રસ્તાને લઈને છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ બાબતને લઈને ઉશ્કેરાયેલા ટોળાએ એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. જોતજોતામાં મામલો બિચક્યો હતો અને ટોળાએ હથિયારો સાથે મકાનો પર હુમલો કર્યો હતો. તોફાની તત્વોએ મકાનના દરવાજા અને બારીઓના કાચની ભારે તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડ્યું હતું.

ઘાયલોની સ્થિતિ અને હોસ્પિટલની કામગીરી

આ જૂથ અથડામણમાં ઈજાગ્રસ્ત થયેલા તમામ 6 થી વધુ લોકોને તાત્કાલિક આણંદની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્રણ દર્દીઓની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો મોટો કાફલો ભાલેજમાં ઉતારી દેવામાં આવ્યો છે અને હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું જણાવાઈ રહ્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: SVNIT માં અભ્યાસ કરતા મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીનો ગળેફાંસો ખાઈ આપઘાત