રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે આણંદના નવા બસ સ્ટેશનની ઓચિંતી મુલાકાત લઈને સૌને ચોંકાવી દીધા હતા. સામાન્ય મુસાફરની જેમ બસ સ્ટેન્ડ પહોંચેલા મંત્રીએ ત્યાં હાજર વિદ્યાર્થીઓ અને મુસાફરો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓની એક મોટી સમસ્યાનું તત્કાલ નિરાકરણ કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓએ મંત્રી સમક્ષ પોતાની વ્યથા ઠાલવી
મુલાકાત દરમિયાન બોરસદ પંથકના વિદ્યાર્થીઓએ મંત્રી સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી કે બસની સંખ્યા ઓછી હોવાને કારણે 60 મુસાફરોની ક્ષમતા વાળી બસમાં 100-100 વિદ્યાર્થીઓને ઘેટા-બકરાની જેમ ભરાઈને મુસાફરી કરવી પડે છે. આ બાબતે વધુ બસો મૂકવાની માગણી લાંબા સમયથી પડતર હતી.
ગાંધીનગર ફોન કરી તાત્કાલિક ઉકેલ લાવ્યા
વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળતા જ હર્ષ સંઘવી એક્શન મોડમાં આવ્યા હતા. તેમણે કોઈ પણ જાતના વિલંબ વગર ઘટનાસ્થળેથી જ ગાંધીનગર એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. મંત્રીની સૂચનાને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બોરસદ રૂટ માટે નવી બસની ફાળવણી કરી દેવામાં આવી છે.
આવતીકાલથી દોડતી થશે નવી બસો
નાયબ મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે હવે વિદ્યાર્થીઓએ હાલાકી ભોગવવી નહીં પડે. આવતીકાલથી જ બોરસદ-આણંદ અને આણંદ-ડાકોર રૂટની નવી બસો સેવામાં કાર્યરત થઈ જશે. આ નિર્ણયથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અભ્યાસ અર્થે આવતા હજારો વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે.
આ પણ વાંચો:ચેક રિટર્ન કેસમાં સજા પડ્યાના બીજા જ દિવસે સેન્ટ્રલ જેલમાં કેદીનું મોત